અમેરિકામાં બાઇડન સરકારે તેની નીતિમાં મોટો ફેરફાર કરીને યુક્રેનને પ્રથમ વખત રશિયાની અંદરના ટાર્ગેટ પર હુમલો કરવા માટે યુએસ-નિર્મિત ATACMS મિસાઇલોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. જો બાઇડન નવનિર્વાચિત પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને સત્તા સોંપે તેના બે મહિના પહેલા જ આ નિર્ણય કરાયો હતો. અમેરિકાના નિર્ણય અંગે તીખી પ્રતિક્રિયા આપતા ક્રેમલિને જણાવ્યું હતું કે રશિયા સામે લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરવાનો કોઈપણ નિર્ણય ‘તણાવમાં વધારો’ તરફ દોરી જશે.
યુક્રેન એક વર્ષ કરતાં વધુ સમયથી રશિયાના કબજા હેઠળના યુક્રેનિયન પ્રદેશમાં રશિયન ટાર્ગેટ સામે ATACMS મિસાઇલોનો ઉપયોગ કરી રહ્યું છે, પરંતુ અમેરિકાએ સંઘર્ષ વધવાની ચિંતાને કારણે રશિયાની અંદર તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો.
લોકહીડ માર્ટિન બેલિસ્ટિક મિસાઇલો યુક્રેનને પૂરી પાડવામાં આવેલી કેટલીક સૌથી શક્તિશાળી મિસાઇલો પૈકીની એક છે. તેની રેન્જ 300 કિમી (186 માઇલ) સુધી છે. પશ્ચિમી રાજદ્વારીઓએ અમેરિકાના નિર્ણયનું સ્વાગત કર્યું હતું, પરંતુ જણાવ્યું હતું કે યુદ્ધમાં તે નિર્ણાયક ન હોઈ શકે.રશિયન ફેડરેશનના સેનેટર વ્લાદિમીર ઝાબારોવે કહ્યું હતું કે ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ આ એક ખૂબ મોટું પગલું છે.
ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે વ્લાદિમીર પુટિને સપ્ટેમ્બરમાં જે કહ્યું હતું તેનાથી રશિયાના વલણમાં કોઈ ફેરફાર થયો નથી. રશિયન પ્રમુખે કહ્યું હતું કે તેઓ રશિયાની ધરતી પર યુએસ નિર્મિત શસ્ત્રોના હુમલાને સંઘર્ષમાં નાટોની સીધી સંડોવણી માનશે.